અમરેલી જિલ્લામાં શાળામાં બાળકો સાથે અડપલા જેવી ઘટનાઓ સતત વધી રહી છે. આવા ઘણા મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે, જ્યારે મોટાભાગના મામલા દબાઈ જતા હોય છે. જે કારણે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા 'મિશન સ્માઈલ' નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એસપી દ્વારા શરૂ કરવામાં આવેલી નવતર પહેલ હેઠળ 1300 શાળામાં સેમિનાર યોજાશે. જેમાં બાળકોને પોલીસ દ્વારા સુરક્ષાની તાલીમ આપવામાં આવે છે.
બાળકો સાથે દુષ્કૃત્યમાં વધારો
તાજેતરમાં અમરેલી જિલ્લામાં શાળાઓમાં માસુમ વિદ્યાર્થીઓ સાથે અડપલા જેવા કૃત્ય સામે આવ્યા હતા. કેટલાક બનાવોમાં શિક્ષકો દ્વારા આ પ્રકારના બાળકો સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યા છે. બાળકો આવી ઘટનાનો ભોગ બન્યા બાદ પોલીસ ફરિયાદો નોંધાય છે. આવામાં SP સંજય ખરાત દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતા લીધી અને તેનું એનાલિસિસ શરૂ કર્યું હતું.
અમરેલીના SP સંજય ખરાતનું 'મિશન સ્માઇલ'
SP સંજય ખરાતે આ મામલે ગહન અભ્યાસ કર્યો અને કેટલાક ડેટા માહિતિઓ મેળવી હતી. જેમાં પોલીસ કેસ વગરના પણ અનેક કિસ્સા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જે કારણે અમરેલીના SP સંજય ખરાત દ્વારા 'મિશન સ્માઇલ' નામના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ શાળાઓમાં પહોંચીને સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
બાળકોને ટ્રેનિંગ આપવા માટે પોલીસ સેમિનાર યોજી રહી છે
આ કાર્યક્રમનું નેતૃત્વ નયના ગોરડીયા કરી રહ્યા છે. અલગ અલગ જિલ્લાની 1300 જેટલી શાળામાં પહોંચીને 2 લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક છે. શાળાઓમાં કાર્યક્રમ યોજવા માટે અલગ અલગ પોલીસ ટીમો, આંગણવાડી કર્મચારીઓ સાથે શાળાઓમાં જઈને સેમિનાર યોજી રહ્યા છે. આ ઉપરાંત શાળાઓમાં બાળકોને માર્ગદર્શન માટે ટીવી સ્ક્રીન પર કાર્ટુન મારફતે પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમરેલીથી લઈ દરિયાઈ ટાપુ શિયાળબેટ સુધી આ બાળકોને ટ્રેનિંગ આપવા માટે પોલીસ સેમિનાર યોજી રહી છે.