આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વૈણજ નવાગામ ભાઠા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એકસાથે 13 પશુઓના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. આ ઘટના પાછળ કેમિકલયુક્ત પાણી પીધા બાદ મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


પશુઓએ મસત્ય ઉદ્યોગના તળાવમાંથી પાણી પીધુ

મળતી જાણકારી અનુસાર, મૃત્યુ પામેલા પશુઓએ ઝીંગા અને મત્સ્ય ઉદ્યોગના તળાવમાંથી પાણી પીધું હોવાનું કહેવાય છે. ગ્રામજનો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, આ તળાવમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું. આ પ્રકારના ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરી કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડવામાં આવતું હોવાના અને કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. આ ગંભીર મામલે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મામલતદાર અને GPCB દ્વારા સ્થળ મુલાકાત કરાઈ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, મામલતદાર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. પશુઓના મોતનું સાચું કારણ જાણવા માટે, મૃત પશુઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, રિપોર્ટ બાદ જે કોઈ જવાબદાર જણાશે તેની સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.




  • Follow us on: