ઉમરેઠમાં પશુ ચોર ગેંગ સક્રિય થતાં સમગ્ર પંથકના પશુપાલકો ચિંતિત બન્યા છે. ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં ગાયોની ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાત્રિના સમયે ફોર-વ્હીલર કાર લઈને આવેલા તસ્કરો ગાયોની ચોરી કરીને ભાગી રહ્યા હતા, ત્યારે કારની પાછળ ગાયો દોડતી હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં દેખાયા હતા. આ ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે.


પોલીસના પેટ્રોલિંગના દાવા થયા પોકળ

આ પશુ ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. પશુપ્રેમીઓમાં પણ આ ઘટનાને કારણે રોષ જોવા મળી રહ્યો છે. જો રાત્રિના સમયે પોલીસનું સઘન પેટ્રોલિંગ હોત, તો ચોરોનું આટલું સાહસ ન થયું હોત. ગાયોની ચોરી કરી ફોર-વ્હીલર કાર લઈને ભાગી રહેલા ચોર કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તે પોલીસ તપાસમાં બહાર આવશે. હવે પોલીસ આ તસ્કરોને પકડવા માટે શું પગલા ભરશે તે જોવાનું રહ્યું.

આવી જ એક ઘટના અગાઉ વઢવાણમાં પણ બની હતી. જ્યાં રાત્રિના સમયે રિક્ષા લઈને આવેલા છ શખ્સો બે પશુપાલકોના ઘરેથી ચાર પશુઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તે ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આવી ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ કરવું અત્યંત આવશ્યક છે.

  • Follow us on: