ચોમાસાની દરમિયાન રસ્તાઓમાં ભૂવા પડવા તથા રોડ રસ્તાઓ તૂટી જવા જેવી સમસ્યાઓ અવાર નવાર જોવા મળે છે ત્યારે ઉમરેઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગેટ પાસે ગટર બોક્ષના ખાડામાં ડમ્પર ઉતરી ગયું હતું. આ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવીકરણ કરવામાં આવ્યું હતું તેના ગેટ પાસેથી ગટર બોક્ષમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. આ ડ્રેનેજ લાઇન બોક્ષમાં રેતી ભરેલું ડમ્પર ઉતરી જતાં ડ્રેનેજ લાઇન બોક્ષમાં સળીયા ન નંખાયાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તથા ડ્રેનેજ લાઇન બોક્ષનું કામ નબળુ થયાનો પણ આક્ષેપ કર્યો છે.


ડ્રેનેજ લાઇન બોક્ષનું કામ નબળુ થયાનો આક્ષેપ

ઉમરેઠમાં નવીનીકરણ કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગેટ પાસે ડમ્પર ઉતરી જવાની ઘટના સામે આવી છે તેમાં નવા ચણતરમાં સરીયા નાખ્યા વગર ગટર બોક્ષનું ચણતર કરવામાં આવ્યું હતું. જ્યારે રેતી ભરેલ ડમ્પરનું પાછલું ટાયર ગટર બોક્ષ પર આવતાની સાથે ડમ્પરના બે વીલો ગટર બોક્ષમાં ઉતરી ગયા હતા. આરોગ્ય કેન્દ્રની દિવાલના કારણે ડમ્પર ચાલકનો જીવ બચી ગયો હતો. દિવાલના ટેકે ડમ્પર અટકી ગયું હતું. જો આ દિવાલ ના હોત તો ડમ્પરે પલટી મારી દીધી હોત. હલકી ગુણવત્તાના બાંધકામના લીધે ડમ્પર ગટર બોક્ષમાં ફસાઈ ગયું હતું. જો ડ્રેનેજ લાઇન બોક્ષમાં સળીયા નાખીને બનાવવામાં આવ્યું હોત તો આવી ઘટના બની ન હોત.

ભૂવામાં ફસાયું ડમ્પર

આ પહેલા પણ આવી એક ઘટના બની હતી, જેમાં વડોદરાના માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસેથી પસાર થતુ રેતી ભરેલ ડમ્પર મોડી રાત્રે ભૂવામાં ફસાયું હતુ, પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતા. ભૂવામાં ફસાયેલ ડમ્પરને બહાર કાઢવા ક્રેઈનની મદદ લેવાઇ હતી. 

  • Follow us on: