પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળા (હિપેટાઈટીસ-એ) ના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા 9 જેટલી આરોગ્યની ટીમો બનાવીને રોગચાળા અંતર્ગત ચાંગા ગામ ખાતે વ્હોરવાડ, માતરીયું ફળિયું, જનતા કોલોની, તાડ ફળિયું વિગેરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.


1228 જેટલા લોકો અસરગ્રસ્ત થયા

ડોક્ટર પિયુષ પટેલે ચાંગા પ્રાથમિક આરોગ્ય કેંદ્રની આરોગ્યની ટીમોને રોગચાળા અટકાયતી અંગે તેમજ પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ તાત્કલિક રીપેર કરવા ગ્રામ પંચાયતને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરીયુ ફળિયું, જનતા કોલોની ખાતે 1228 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા. જેની ક્રમશઃ સારવાર કરીને મોટાભાગના અસરગ્રસ્તોને સારવાર આપવામાં આવી છે, અને સ્વસ્થ બન્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 9 જેટલી આરોગ્ય ટીમ કાર્યરત થઈ છે, જેમાં 3 જેટલા મેડિકલ ઓફિસર તથા 24 જેટલા પેરા મેડિકલ સ્ટાફ ખડેપગે તૈનાત રહીને દર્દીઓની સેવા- સુશ્રુશા કરી હતી.

આરોગ્યની ટીમ દ્વારા 4,996 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ

ચાંગા ગામ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા 4,996 ક્લોરીન ટેબ્લેટનું અને 87 જેટલા ORS પાવડરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 18 જેટલા પાણીના પાઈપ લાઈન લીકેજ મળી આવ્યા છે, જે પૈકી 15 જેટલા લીકેજ રીપેર કરવામાં આવ્યા છે. એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.રાજેશ પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગુણવંત ઈસરવાડિયા એ ગામ ખાતે વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી હતી અને ગામ લોકોને જણાવ્યું હતું કે કમળો (હિપેટાઈટીસ-એ) ના રોગચાળા દરમિયાન શું કરવું અને શું ન કરવું, તેમ જણાવી કમળાના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવા, શરીરને આરામ આપવો ખૂબ જરૂરી છે તેમ જણાવી વધારે પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવા, પુષ્કળ પાણી પીવા જણાવ્યું હતું, જેથી શરીર ઝેરી તત્વો દૂર કરી શકે.

ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારનો ઈલાજ ન કરો

આ સિવાય પાચનક્રિયા પર ઓછો ભાર આવે તેવો ખોરાક લેવા, બાફેલા શાકભાજી, ફળો અને ખોરાક ગરમ અને તાજો ખોરાક ખાવો,બહારનો અને વાસી ખોરાક ખાવો નહિ. હાથ ધોવા, સ્વચ્છ પાણી પીવું અને સ્વચ્છ ખોરાક ખાવો.પાણી ઉકાળીને પીવું જેથી પાણીમાં રહેલા બેક્ટેરિયા મરી જાય.ઘરની આસપાસ ગંદકી ન થવા દો અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવો. તેમણે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારનો ઈલાજ ન કરો. તેલી અને મસાલેદાર ખોરાક પાચનક્રિયાને નબળી પાડી શકે છે, એટલે તે ટાળો. દારૂ અને ધૂમ્રપાન ન કરો, આ વસ્તુઓ લીવરને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જાહેર સ્થળોએ ભીડમાં ચેપ લાગવાની શક્યતા વધી શકે છે, ત્યાં જવાનું ટાળવા સમજ આપવામાં આવી હતી.


  • Follow us on: