આણંદ શહેરમાં એક વિસ્તારમાં રહેતી 19 વર્ષિય યુવતીને ઉચ્ચ અભ્યાસ કરાવવાની લાલચ આપી 45 વર્ષના વિધર્મી યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી યુવતીનો વીડિયો બનાવી લઈ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતા આ અંગે યુવતીએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી પરપ્રાંતીય વિધર્મી યુવકને મુંબઈથી ઝડપી પાડી તેની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિંદુ પરિવારે મિત્રતાને લઈને પરવેઝખાન અને તેના ભાઈને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો
આણંદ શહેરમાં એક વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારને અવાર નવાર ટ્રક લઈને આવતા ટ્રક ચાલક ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના તાતોમુરેની ગામના પરવેઝખાન મોહંમદ તૌફીકખાન સાથે મિત્રતા બંધાતા આ પરિવાર સાથે પરવેઝખાનને ગાઢ મિત્રતા થતા તે પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન એક વર્ષ પૂર્વે પરવેઝખાનના ભાઈને અકસ્માત થતા તેની સારવાર માટે તે આણંદ આવ્યો હતો, ત્યારે આ હિંદુ પરિવારે મિત્રતાને લઈને પરવેઝખાન અને તેના ભાઈને પોતાના ઘરમાં આસરો આપ્યો હતો અને દોઢ માસ સુધી પરવેઝખાન આ પરિવારના ઘરમાં રહ્યો હતો, ત્યારે પરવેઝએ આ પરિવારની દિકરી પર દાનત બગાડી હતી અને ત્યારબાદ ગત જાન્યુઆરી માસમાં તે ફરી આણંદ આવ્યો હતો અને ત્યારે પણ આ પરિવારે તેને પોતાના ઘરમાં આસરો આપ્યો હતો. ત્યારે આ 45 વર્ષિય નરાધમ પરવેઝખાને આ પરિવારની 19 વર્ષિય દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવાની લાલચ આપી, તેણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેણીનો વાંધાજનક વીડિયો બનાવી લઈ યુવતીને આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી વાંરવાર તેણી પર દુષ્કર્મ આચરતો હતો.
યુવતી સાથે સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાર કર્યા
ત્યારબાદ ગત જુન માસના અંતિમ સપ્તાહમાં પરવેઝખાન યુવતીને લવજેહાદનો શિકાર બનાવી ફોસલાવી પટાવીને ઉત્તરપ્રદેશના સુલતાનપુર લઈ ગયો હતો, જ્યાં યુવતી સાથે તેણે સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાર કરી લગ્ન કરી લીધા હતા અને તેણી પર દુષ્કર્મ આચરી તેણીને તરછોડી દીધી હતી, ત્યારબાદ લવજેહાદનો ભોગ બનેલી યુવતીએ આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પરવેઝખાન મોહંમદ તૌફીકખાન વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝ઼ડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી. આ દરમિયાન આણંદ ટાઉન પોલીસે હ્યુમન રીસોર્સ અને ટેકનીકલ સોર્સના આધારે આરોપી પરવેઝખાનને મુંબઈના નાગપાડા વિસ્તારમાંથી ઝડપી પાડી તેને આણંદ ટાઉન પોલીસ મથકે લાવી તેની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ પુછપરછ હાથ ધરી છે.