આણંદ અને કરમસદ નગરપાલિકા દ્વારા તહેવારોના સમયને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના મામલે એક્શન મોડમાં આવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે આણંદની સામરખા ચોકડી પાસે આવેલી જાણીતી આશિષ ચાઈનીઝ કિંગ નામની હોટેલને સીલ કરી દેવામાં આવી છે. કરમસદ-આણંદ મનપાની ટીમે અંબર હોટેલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હોટેલના રસોડાની અંદરની પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી.
મનપાની તપાસમાં હોટલમાં અખાદ્ય વસ્તુઓ મળી હતી
મનપાની ટીમને રસોડામાંથી દુર્ગંધ મારતી ગ્રેવી અને અન્ય અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. હોટેલમાં સંપૂર્ણપણે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકોને પિરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવામાં ગંભીર બેદરકારી જોવા મળતા મનપાની ટીમે તાત્કાલિક અસરથી હોટેલને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. મનપા દ્વારા તહેવારોમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકીને રોકવા માટે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.













