આણંદ જિલ્લાના તારાપુરના ચાંગડા ગામની સીમ વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોવાથી ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. તારાપુરનાના ચાંગડા ગામના ખેડૂતોનો ડાંગરનો પાક પાણીમા ગરકાવ થવાથી ખેડૂતો જવાબદાર તંત્ર પર રોષે ભરાયાં હોવાનું સામે આવ્યું છે.
દર ચોમાસામાં આણંદના તારાપુરમાં ખેતરોમાં ભરાય છે પાણી
દર વર્ષે અહીં ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો જ્યારે ડાંગરની ખેતી કરવા જાય છે, ત્યારે ધરુવાળિયાની સિઝનથી જ ચોમાસાનો પહેલો વરસાદ અને ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણી અહીંયાની જમીનોને તરબતર કરી દે છે. અહીંના ખેડૂતોનું કહેવું છે કે, જ્યારથી વાસદ બગોદરા હાઈવેનું નિર્માણ થયું ત્યારથી આ સમસ્યા સર્જાઈ છે અને પાછલા દસ વર્ષથી આ સીમ વિસ્તારમાં ચાંગડા અને ઈન્દ્રણજ ગામના કુલ 250 જેટલા ખેડૂતો કે જેમની એક હજાર વીઘા જેટલી જમીન અહીં આવેલી છે એ તમામ જમીનમાં પાક સદંતર નિષ્ફળ જાય છે અને ખેડૂતોને આર્થિક માર વેઠવાનો વારો આવે છે.
ખેડૂતોએ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી
આ મામલે અહીંના ખેડૂતોએ આ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે અને જવાબદાર તંત્રને પણ આની રજૂઆતો કરી છે તેમ છતાં આ સીમ વિસ્તારમાંથી પાણીનો કોઈ નિકાલ થતો નથી અને હવે માંગ ઉઠી રહી છે કે વહેલી તકે આ સીમ વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો કાયમી નિકાલો થાય અને વર્ષોથી પીડાતા ચાંગડા ગામના ખેડૂતો નો અવાજ હવે તંત્રના બહેરા કાને પહોંચે છે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું.