આણંદ શહેરમાં સેવાસદન સ્થિત પ્રાંત કચેરીમાં સરકારી વાહનના ડ્રાઈવર તરીકે 32 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ઐયુબમિંયા પિરઝાદા વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેઓનો વિદાય સમારોહ યોજી અનોખી વિદાય આપવામાં આવી હતી, ત્યારે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડૉ.મયુર પરમારે ઐયુબમિંયા પિરઝાદાની સેવાઓને બિરદાવતા તેઓને શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી તેઓને પોતાની પ્રાંત અધિકારીની ખુરશી પર બેસાડી અનોખું સન્માન આપ્યું હતું.


પ્રાંત અધિકારી જાતે ગાડી ચલાવી તેમને ઘરે મુકવા ગયા

એટલુ જ નહીં ઐયુબમિંયાએ ફરજ દરમિયાન સરકારી વાહનમાં અધિકારીઓને બેસાડીને ડ્રાઈવીંગ કરીને ફરજ બજાવી છે, ત્યારે નાયબ કલેકટર ડૉ.મયુર પરમારે ડ્રાઈવર ઐયુબમિંયા અને તેમના પરિવારને સરકારી વાહનમાં બેસાડીને નાયબ કલેકટર ડૉ.મયુર પરમાર જાતે સરકારી વાહન હંકારીને ઐયુબંમિયાને તેઓના ઘરે મુકવા ગયા હતા અનોખી વિદાય આપી હતી. એક નિવૃત્ત થતા ડ્રાઈવરને નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમારએ અનોખું સન્માન આપી તેઓની સેવાઓને બિરદાવતા ઐયુબમિંયા પણ ભાવવિભોર થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે મેં કયારેય વિચાર પણ કર્યો ન હતો, ત્યારે આવા ઉમદા અધિકારીએ જે માન સન્માન આપ્યું છે, તે તેઓ જીવનભર ભુલી શકશે નહીં. તેઓએ 32 વર્ષ સુધી ફરજ દરમિયાન જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી છે અને દરેક અધિકારીઓ દ્વારા તેઓને સન્માન આપવામાં આવ્યું છે.

નાયબ કલેક્ટરે કામગીરીના કર્યા વખાણ

પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડૉ.મયુર પરમારે કહ્યું હતું કે ઐયુબભાઈ પિરઝાદા આણંદ જિલ્લાના છેલ્લા સરકારી ડ્રાઈવર હતા, તેઓ લાંબી ફરજ બજાવી આજે નિવૃત્ત થયા છે. તેઓનાં લાંબા અનુભવનો લાભ આ કચેરીને મળતો હતો, ત્યારે તેઓને માન સન્માન પૂર્વક વિદાય આપવામાં આવી હતી. નાયબ મામલતદાર ચૈતન્ય સંધાણી, હરેન્દ્રસિંહ પરમાર સહિત સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિવૃત્ત થતા ઐયુબમિંયાનું સન્માન કરી તેઓને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

  • Follow us on: