આણંદ જિલ્લામાં ખેડૂતોને કેળાનો યોગ્ય ભાવ નહીં મળતા આજે સારસા ચોકડી પાસે ખેડૂતોએ કમિશન એજન્ટની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને કેળાના ભાવ નહીં તોડવા માટે માગ કરી છે. હાલમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે અને વેપારીઓ ખેડૂતો પાસેથી કેળાનો પાક ખરીદી રહ્યા છે, ત્યારે સારસા પંથકમાં કમિશન એજન્ટ દ્વારા ખેડૂતોને કેળાનો યોગ્ય ભાવ આપવામાં આવતો નથી.
કેળાના ભાવ તેની કેટેગરી મુજબ આપવાની માગ
જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને મહેનત કર્યા બાદ જ્યારે ખેતરોમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે, ત્યારે કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવતો નથી. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં તેમજ અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને 350થી 400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, ત્યારે સારસા પંથકનાં ખેડૂતોને ઓછા ભાવ મળે છે, તેની સામે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ આજે સારસા ચોકડી પાસે કમિશન એજન્ટની ઓફિસમાં જઈ હોબાળો મચાવ્યો હતો અને જ્યારે અન્ય જિલ્લાઓમાં કેળાનો ભાવ વધારે આપવામાં આવી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લાના ખેડૂતોને કેળાનો ભાવ ઓછો કેમ આપવામાં આવી રહ્યો છે તેમ કહી હોબાળો મચાવ્યો હતો અને સમાન કેળાના ભાવ તેની કેટેગરી મુજબ આપવાની માગ કરી હતી.
ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો
આણંદ જિલ્લામાં કેળાના ખેડૂતોને કેળાના પાકનો ભાવ અલગ અલગ આપવામાં આવી રહ્યો છે, સામાન્ય રીતે બજારમાં ₹300 મણનો ભાવ ચાલે છે. ત્યારે કેટલાક કમિશન એજન્ટો દ્વારા પ્રતિ મણ 220નો ભાવ આપવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ કેટલાક કમિશન એજન્ટો દ્વારા વેપારીઓને પણ ગેરમાર્ગે દોરી તેઓ સસ્તા ભાવે કેળા અપાવશે તેમ કહી ભાવ તોડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કરી કમિશન એજન્ટની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો.