ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના 26 ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓને ખાસ સૂચના આપી છે.ગામોના પશુપાલકો તેમના પશુઓને નદી કિનારે ન લઈ જાય તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે.
ગ્રામજનોને સાવધ રહેવા માટે જણાવાયું
મહી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાને લઈ કાંઠા વિસ્તારના જે ગામો ખાતે પાણીનો પ્રવાહ વધવાથી લોકોને સાવધ કરવા જરૂરી હતા તેવા 26 ગામો ખાતે તાત્કાલિક ધોરણે સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને તેમને નદી કાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. નદીકાંઠાના ગામો ખાતે ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે તકલીફ પડતી હોય જે ધ્યાને લઈ ગ્રામજનોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે જિલ્લા કલેકટરની સુચના મુજબ આવા ગામોના પશુપાલકો તેમના પશુઓને નદી કિનારે ન લઈ જાય તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે અને ગ્રામજનોને સાવધ રહેવા માટે જણાવાયું છે.













