આણંદ મહાનગરપાલિકામાં આજે ગામડી વિસ્તારની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહિલાઓના જણાવ્યા મુજબ ગામડીની અનેક સોસાયટીઓના માર્ગો પર ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે. સમસ્યા એટલી ગંભીર છે કે સોસાયટીના રસ્તાઓ પર લગભગ એક ફૂટ જેટલા ગટરના પાણી ભરાયેલા રહે છે.
ગામડીની વિવિધ સોસાયટીઓમાં સમસ્યા
આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેનાથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને આ દૂષિત માર્ગો પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા, રોષે ભરાયેલી મહિલાઓનો મોટો સમૂહ આજે આણંદ મનપા કચેરીએ પહોંચ્યો હતો. મહિલાઓએ મનપા કચેરી સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.













