કચ્છના અંજાર શહેરમાં આવેલા ઐતિહાસિક ગણેશ તળાવ પરના ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટી અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તળાવની આસપાસની રૂ.89 લાખની કિંમતની 4200 ચોરસ મીટર સરકારી જમીન ભૂમાફિયાઓના કબ્જામાંથી મુક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગણેશ તળાવના કિનારે દબાણ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ લોકોએ તળાવની જમીનમાં પુરાણ કરીને 8 જેટલા મોટા દબાણો કર્યા હતા.


ભુમાફિયા દ્વારા પુરાણ કરીને 8 દબાણ કરાયા હતાં

આ દબાણોને કારણે તળાવનું સૌંદર્ય નષ્ટ થતું હતું અને સ્થાનિક પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું હતું. આ મામલે અનેક રજૂઆતો અને ફરિયાદો બાદ વહીવટી તંત્ર સક્રિય થયું હતું. આ દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર, પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેસીબી મશીનો અને અન્ય સાધનોની મદદથી ગેરકાયદેસર બાંધકામો અને પુરાણને દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

89 લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દબાણોને કારણે ગણેશ તળાવની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી અને તે સુકાઈ રહ્યું હતું. દબાણો દૂર થવાથી તળાવના મૂળ સ્વરૂપને જાળવી રાખવામાં મદદ મળશે અને પર્યાવરણનું રક્ષણ થશે. 4200 ચોરસ મીટર જમીન ખુલ્લી થતા તંત્ર હવે આ જમીનનો સદુપયોગ કરી શકશે. આ દબાણો દૂર કરવાની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પગલું ખૂબ જ જરૂરી હતું અને તેનાથી ભવિષ્યમાં આવા દબાણો થતા અટકાવી શકાશે.





  • Follow us on: