ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં વીજળી પડવાથી એક 47 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આ ઘટના પીલુદ્રા ગામની સીમમાં બની હતી અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. પીલુદ્રા ગામના રહેવાસી વર્ષાબેન જગદીશભાઈ પટેલ ગામની સીમમાં તેમના ઢોર ચરાવવા માટે ગયા હતા. વરસાદી વાતાવરણ અને વાવાઝોડા વચ્ચે અચાનક વીજળી ત્રાટકી હતી.
વીજળી પડતા વર્ષાબેન પટેલનું નીપજ્યું મોત
આ આકાશી આફતમાં વર્ષાબેન સીધા વીજળીના સંપર્કમાં આવી ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ભાગ્યે આ ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વર્ષાબેનના અકાળ અવસાનથી તેમના પરિવારજનો પર આભ ફાટ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલાની ગંભીરતા જોતા તુરંત જ પોલીસ અને મામલતદારને જાણ કરવામાં આવી હતી.













