અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અલગ યુનિવર્સિટીની સ્થાપનાની માંગણીએ હવે જોર પકડ્યું છે. આ મામલે શામળાજીની કલજી કટારા આર્ટ્સ કોલેજ ખાતે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અખિલ ભારતીય શૈક્ષિણ મહાસંઘના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. આ બંને જિલ્લાઓમાં કુલ 290 કોલેજો આવેલી છે જેની શૈક્ષણિક અને વહીવટી કામગીરી હાલમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેઠળ થાય છે.


150 કિલોમીટરનું લાંબુ અંતર

આ અલગ યુનિવર્સિટીની માગણી પાછળનું મુખ્ય કારણ એ છે કે, હાલમાં કોલેજોના કામકાજ માટે પાટણ સુધી લગભગ 150 કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડે છે. આ લાંબી મુસાફરીના કારણે વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાં સમય અને નાણાંનો વ્યય થાય છે. અલગ યુનિવર્સિટીની સ્થાપનાથી આ બંને જિલ્લાના વિદ્યાર્થીઓ અને કોલેજોની વહીવટી પ્રવૃત્તિઓમાં સુગમતા આવશે, અને શિક્ષણનું સ્તર પણ સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સાબરકાંઠાના શૈક્ષણિક વિકાસ માટેનો સંકલ્પ

ચિંતન શિબિરમાં હાજર રહેલા મહાસંઘના હોદ્દેદારોએ સરકાર સમક્ષ આ માગણી રજૂ કરવા અને તેના પર યોગ્ય કાર્યવાહી થાય તે માટે પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. તેઓનું માનવું છે કે, સ્થાનિક યુનિવર્સિટી હોવાથી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન વધુ અસરકારક રીતે થઈ શકશે અને વિદ્યાર્થીઓને વધુ સારા શૈક્ષણિક સંસાધનો અને તકો પૂરી પાડી શકાશે. આ ચિંતન શિબિર એક નક્કર પગલું છે જે અરવલ્લી અને સાબરકાંઠાના શૈક્ષણિક વિકાસ માટેના સંકલ્પને દર્શાવે છે.


  • Follow us on: