અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલી હાથમતી નદી પરના બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક અવરજવર ચાલુ છે. આ નબળા બ્રિજને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભિલોડામાં હાથમતી નદી પરનો આ બ્રિજ જૂનો અને નબળો હોવાથી તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના ભાગરૂપે બ્રિજ પર સુરક્ષા માટે સેફ્ટી એંગલ પણ લગાવવામાં આવ્યા હતા.


ડમ્પર ચાલકોની મનમાની સામે કાર્યવાહીનો અભાવ

પરંતુ બેફામ ડમ્પર ચાલકોએ આ એંગલ તોડી નાખ્યા હતા અને રાત્રિના સમયે છાનેખૂણે ભારે વાહનોની અવરજવર ચાલુ રાખી હતી. ડમ્પર ચાલકોની આ મનમાની પાછળ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો અભાવ હોવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું હતું. પ્રતિબંધ હોવા છતાં આ વાહનો બ્રિજ પરથી પસાર થતા હતા. પરંતુ તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જો આ બ્રિજ તૂટી પડે તો અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બની શકે છે.

તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

આ પરિસ્થિતિ જોતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા હતા. સ્થાનિક લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે કે જો સમયસર આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા છે. ડમ્પર ચાલકો દ્વારા પ્રતિબંધિત માર્ગ પર બેફામ રીતે વાહન ચલાવવામાં આવે છે. જે માર્ગ સલામતી માટે પણ જોખમી છે. લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ મામલે ધ્યાન આપીને કડક પગલાં ભરે અને બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવે.


  • Follow us on: