બનાસકાંઠાના ખેમરાજીયમાં હુમલાખોર દીપડાની હત્યા થઈ. ખેમરાજીયાના પહાડી વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. દીપડાની હત્યા થતા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગની ટીમે દીપડાનું પેનલ પીએમ કરાવ્યું. અજાણ્યા શખ્સોએ દીપડાની હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન. દીપડાની હત્યા મામલે અજાણ્યો શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ખેમરાજીયમાં દીપડાનો આતંક
ગતરોજ અમીરગઢના ખેમરાજીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો. અને ત્રણ લોકો ઉપર દીપડાએ ઘાતકી હુમલો કર્યો હતો. ત્રણેય શખ્સને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તેમની હાલત વધુ ગંભીર ના હોવાથી તેમને એક જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જેના બાદ આજે ખેમરાજિયા ગામની પહાડી વિસ્તારમાંથી હુમલાખોર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જેમાં ધ્યાનમાં આવ્યું કે દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઇજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી છે.
અજાણ્યો શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો
વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી. શિડ્યુલ વનની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરી. ગઇકાલે દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો અને અન્ય એક શખ્સ પર રીંછે હુમલો કર્યો હતો. આજે હુમલાખોર દીપડાનો મૃતદેહ મળી આવ્યો. જેના કારણે અજાણ્યા શખ્સોએ દીપડાની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. દીપડાની હત્યા મામલે અજાણ્યો શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.
વનવિભાગની લોકોને સાવચેત રહેવા અપીલ
આ ઉપરાંત બનાસકાંઠા અને અમરેલીમાં અવારનવાર દીપડા અને સિંહ શિકારની શોધમાં ગામમાં આંટાફેરા કરતા હોવાની ઘટના વધી છે. કયારેક નિર્દોષ પ્રાણી આ જંગલીઓ પ્રાણીઓના શિકાર થાય છે. તો કયારેક જંગલી પ્રાણીઓ માણસ પર પણ હુમલો કરે છે. જંગલી પ્રાણીઓના ગામમાં ઘૂસવાની ઘટનાઓ વધતા ગ્રામજનો ચિંતાતૂર થયા છે. જો કે જયારે પણ દીપડા, સિંહ અને રીંછ જેવા જંગલી પ્રાણીઓ ગામમાં અને ઘરમાં ઘૂસ્યાના સમાચાર મળતા જ વનવિભાગની ટીમ તેમને પકડવા પાંજરૂ મુકી ટ્રેપ ગોઠવે છે. છતાં પણ વનવિભાગની મદદ મળે તે પહેલા નિર્દોષ લોકો જંગલી પ્રાણીઓના શિકાર થાય છે. વન વિભાગની ટીમ પણ દીપડા અને સિંહના આંટાફેરા વધતા લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપી છે.