ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ચારથી પાંચ દિવસ સુધી લોકો પાણીમાં જીવન પસાર કરી રહ્યાં છે. ત્યારે નેતાઓ હવે બનાસકાંઠામાં પહોંચ્યા છે. લોકો જે સમયે મદદની અપેક્ષા રાખીને બેઠા હતાં ત્યારે તો મદદ ના મળી પણ હવે નેતાઓ લોકોના હાલચાલ જોવા માટે બનાસકાંઠામાં પહોંચ્યા છે. આજે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરની મુલાકાતે પહોંચ્યા છે. બીજી તરફ 3300 જેટલી રાશન કીટ અસરગ્રસ્તો માટે સુઈગામ રવાના કરવામાં આવી છે.


વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોએ મદદ માટે પગાર આપ્યો

બનાસકાંઠામાં ઠેર ઠેર વરસાદી તારાજી જોવા મળી છે. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરની મુલાકાતે પહોંચ્યા છે. સરહદી સુઈગામ વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાથી અસરગ્રસ્તો માટે કીટના ટ્રક રવાના કરવામાં આવ્યા છે. 15 કિલોની એક એવી 3300 જેટલી કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે. આ તકે મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોએ તેમનો પગાર મદદ અને રાહત કાર્યો માટે આપ્યો છે. આ સિવાય બનાસડેરીના કર્મચારીઓએ પણ પગાર મદદ માટે આપ્યો છે.

વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હવે વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યાં

બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હવે વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યાં છે. તેમણે હાલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો. આ સમય રાજકારણ કરવાનો નથી પણ લોકોની વચ્ચે રહેવાનો છે. સુઈગામમાં સતત 6 દિવસથી પાણી ઓસરી નથી રહ્યાં. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુઈગામની મુલાકાત લેશે. સુઈગામ તાલુકાના અનેક ગામ આજે પણ જળમગ્ન હાલતમાં છે. 700થી વધુ મકાનોમાં કેડસમા પાણી ભરાયેલા છે. અનેક વિસ્તારોમાં હજી બેટ જેવી સ્થિતિ છે. આ ઉપરાંત થરાદમાં પણ સ્થિતિ ખૂબજ ગંભીર જોવા મળી રહી છે.


  • Follow us on: