આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી"ની થીમ ઉપર યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામા ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન અન્વયે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
ત્રણ ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે
આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ત્રણ ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે. જેમાં આગામી ૦૮મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદુર વિષય પર પત્રો લખવાની સ્પર્ધાનું આયોજન, જિલ્લાની તમામ શાળાઓમાં My Gov portal દ્વારા ક્વિઝનું આયોજન કરાશે, નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ કરાશે.
બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે
ત્યાર બાદ ૦૯થી ૧૨મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે. આઇકોનિક સ્થળ નડાબેટ તથા અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આગામી ૧૨મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે. આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ, નગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ ઉપર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડ વોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે.
ત્રીજા તબકકામાં તમામ શાળાઓમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે
આ સાથે ૧૩ ઑગસ્ટ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ત્રીજા તબકકામાં તમામ શાળાઓમાં ધ્વજ વંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ‘સેલ્ફી વિથ તિરંગા’ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબુત બનાવવાનો હેતુ છે. બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ જરૂરી સુચનાઓ આપી હતી. તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોધાવા જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.