બનાસકાંઠામાં તંત્રની બેદરકારી સામે આવી છે. ઈકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક વૃદ્ધા ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું છે. કમોસમી વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાયેલું હતું જેમાથી પસાર થતાં વૃદ્ધા ડૂબ્યા હતાં. અંડરબ્રિજમાં 12 કલાકથી વધુ સમય સુધી પાણી ભરાયેલું છે.


ઈકબાલગઢ રેલવે તંત્રના પાપે એક વૃદ્ધાનો જીવ ગયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના ઈકબાલગઢ રેલવે તંત્રના પાપે એક આદિવાસી વૃદ્ધાનો જીવ ગયો છે. ગઈકાલે થયેલા માવઠા બાદ ઈકબાલગઢ રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. 12 કલાકથી વધુ સમય બાદ પણ પાણીનો નિકાલ નહીં થતાં આ બનાવ સામે આવ્યો છે. આ રેલવે અંડરબ્રિજ માત્ર એક જ એવો રસ્તો છે જ્યાંથી નાના મોટા વાહનો અને લોકો ચાલીને અવરજવર કરી શકે છે અને તેના માટેનો આ મુખ્ય માર્ગ છે.

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

એક આદિવાસી વૃદ્ધા બજારમાંથી આવતા આ રેલવે અંડરબ્રિજમાંથી પસાર થયા હતાં. જ્યાં તેમનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે અમીરગઢ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધાનો મૃતદેહ પામીમાંથી બહાર કાઢ્યો હતો. ચોમાસામાં વારંવાર આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની અનેક ફરિયાદો તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે પણ કોઈ કાર્યવાહી કરાતી નથી એવું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસે વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: