ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. 22 સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જૂથ ટકરાય તેવી શક્યતાઓ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સામ સામે ચૂંટણી લડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અણદા પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું
બનાસડેરીની ચૂંટણીની જાહેરાત થતાં જ થરા માર્કેટયાર્ડ અને ડેરીના પૂર્વ ચેરમેન અણદા પટેલે શિહોરી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. તેમણે ફોર્મ રજૂ કરતાં ભાજપ મેન્ડેડ આપે તેવી આશા વ્યક્ત કરી છે. બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રિય મંત્રી હરિ ચૌધરી પણ આ ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભાજપ સામે ભાજપ ટકરાય તેવી સ્થિતિ ઉભી થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ જ સામ સામે આવી જવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.













