બનાસકાંઠામાં વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદે કહેર મચાવતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. વાવમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ થઈ છે. વાવમાં વરસાદના પ્રકોપના કારણે સ્થિતિ વધુ વિકટ બનતા ભાખરી ગામ 70 કલાકથી સંપર્ક વિહોણું થયું. વરસાદને પગલે ઠીમા,વાવ સહિતના માર્ગો બંધ થતા ગામ સંપર્ક વિહોણું થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ભાખરી ગામ થયું સંપર્ક વિહોણું

ભારે વરસાદને લઈને વાવ તાલુકાનું ભાખરી ગામ પાણીથી જળબંબાકાર. ભાખરી ગામમાં પૂરની સ્થિતિ જોવા મળી. 70 કલાકથી સંપર્ક વિહોણા થયેલા ભાખરી ગામના ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવા તંત્રને અપીલ કરી. ભાખરી ગામ ના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે છેલ્લા 50 થી 70 કલાકથી પૂરનાં પાણીથી ગામ ઘેરાયું છે. ભારે વરસાદને પગલે ઠીમા,વાવ સહિતના તમામ માર્ગો બંધ થઈ થવાના કારણે ગામનો સંપર્ક તૂટ્યો છે. 

ભાખરી ગામના લોકોને અપાઈ ચેતવણી

ગામમાં પાણી ભરાઈ જવાને લઈને સરપંચ દ્વારા ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે. ગામના રહેવાસીઓને ચેતવણી આપતા કહ્યું કે કોઈપણ વ્યક્તિએ બાઇક, કાર કે ટ્રેક્ટર વડે પૂરગ્રસ્ત રસ્તાઓ પાર કરવાનો પ્રયાસ ન કરવો, કારણ કે પરિસ્થિતિ અત્યંત જોખમી છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. ગ્રામજનો હાલ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ થશે. 

  • Follow us on: