બનાસકાંઠામાં વરસાદી આફતમાં વહીવટી તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ કલોક કામગીરી સામે આવી છે, પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં 160થી વધુ પોલીસ જવાનો રાહત બચાવ કાર્યોમાં લાગ્યા છે.


બનાસકાંઠાની પોલીસ સુઈગામમાં લોકોની પડખે છે

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં રાત દિવસ કામ કરી રહ્યો છે. પૂર હોય, તોફાન હોય, સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈકની મદદ કરવાનો સમય હોય દરેક વખતે જનતાની પડખે ઊભું રહેવાનું કામ પોલીસે કરી બતાવ્યું છે.

સુઈગામ તાલુકામાં આજે શાળાઓમાં રજા અપાઈ

સરહદી ચારેય તાલુકાઓમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન ૦૩ ડી.વાય.એસ.પી, ૦૮ પી.આઈ અને ૧૫૦ પોલીસ જવાનોએ ફરજ દરમિયાન ૬૩ જેટલા પુરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યા છે. પોલીસ જવાનોએ સુઈગામના ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામમાંથી રેસ્ક્યુ કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદના લીધે ભરાયેલ પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વાવ અને સુઈગામ તાલુકામાં આજે તા. 10, સપ્ટેમ્બર, 2025ના રોજ તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

  • Follow us on: