બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણાપાદર ગામમાં આજે એક દુઃખદ ઘટના બની હતી. વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક યુવકનું નામ નરેશ ઠાકોર હતું. જેની ઉંમર 30 વર્ષ હતી. તે મૂળ સુઈગામ તાલુકાના મામણા ગામનો વતની હતો અને ખીમાણાપાદર ગામમાં ભાગીયા તરીકે કામ કરતો હતો.


30 વર્ષીય નરેશ ઠાકોર ઉપર વીજળી પડતાં મોત

આજે વરસાદી માહોલ દરમિયાન અચાનક તેના પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી નરેશ ઠાકોરના પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. નરેશ ઠાકોર ત્રણ સંતાનનો પિતા હતો. તેના અચાનક અવસાનથી તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

3 સંતાનોના પિતાનું મોત થતા પંથકમાં અરેરાટી

વીજળી પડવાના આ બનાવો ચોમાસા દરમિયાન અવારનવાર બનતા હોય છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લામાં રહેવું જોખમી બની શકે છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: