બનાસકાંઠાની પ્રતિષ્ઠિત બનાસ ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. આ મામલે પૂર્વ સાંસદ અને સહકારી આગેવાન પરબતભાઈ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ વખતે પણ બનાસ ડેરીનું નિયામક મંડળ ફરીથી બિનહરીફ ચૂંટાશે. પરબતભાઈ પટેલે જણાવ્યું કે મોટાભાગની સીટો પર સર્વસંમતિથી ઉમેદવારો પસંદ કરવામાં આવશે.


મોટાભાગની સીટ પર સર્વ સંમતિની શક્યતા: પરબતભાઈ પટેલ

આના સંકેતો થરાદ સીટ પરથી જ મળી રહ્યા છે. જ્યાં શંકરભાઈ ચૌધરી અને મારા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં યોજવામાં આવેલી બેઠકોમાં સર્વસંમતિનો માહોલ જોવા મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ પર પશુપાલકોને પૂર્ણ ભરોસો છે. તેમના નેતૃત્વમાં ડેરીએ અનેક નવી સિદ્ધિઓ હાંસલ કરી છે અને પશુપાલકોના હિતમાં અનેક કામો થયા છે.

શંકર ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને ભરોસો: પૂર્વ સાંસદ

આ જ કારણે ડેરીના વિકાસને ધ્યાનમાં રાખીને સત્તા અને વિપક્ષ બંનેના નેતાઓ એકસાથે મળીને નિયામક મંડળને બિનહરીફ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ નિવેદન દર્શાવે છે કે બનાસ ડેરીની રાજનીતિમાં સર્વસંમતિથી મામલો થાળે પાડવામાં આવી રહ્યો છે. જેથી ડેરીનું કામકાજ કોઈ પણ રાજકીય ખેંચતાણ વગર સરળતાથી ચાલી શકે. જો આ શક્ય બનશે તો તે બનાસ ડેરીના ઇતિહાસમાં વધુ એક મહત્વનો અધ્યાય બનશે.


  • Follow us on: