બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે જેના કારણે સહકારી ક્ષેત્રમાં હલચલ વધી છે. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતાઓ છે.


આવતીકાલે ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતાઓ

બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી માટે આવતીકાલે છેલ્લો દિવસ છે. આવતીકાલે ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં 50 ફોર્મના વિતરણ સામે માત્ર ત્રણ જ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આવતીકાલે પ્રથમ નોરતે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે. પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રિય મંત્રી હરિ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કાંકરેજ બેઠક પરથી પૂર્વ ચેરમેન અણદા પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ બંને ધૂરંધર નેતાઓ સામે કોણ ફોર્મ ભરશે તેની પર સૌની મીટ મંડરાઈ છે. વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. દાંતીવાડા બેઠક પર દાવેદારોની સંખ્યા પણ વધી છે.

ભાજપ કોને મેન્ડેડ આપશે એની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ કોને મેન્ડેડ આપશે એની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના જ દિગ્ગજો એક બીજા સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી રહ્યાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ભાજપ સામે ભાજપની ટક્કર થાય તેવી સ્થિતિ આ ચૂંટણીમાં જોવા મળી રહી છે.ઉમેદવારી પત્રો 22મી સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે 11 કલાકથી બપોરે ત્રણ કલાક કલાક સુધી સ્વીકારવામાં આવશે.ઉમેદવારી પત્રોની ચકાસણી 23મી સપ્ટેમ્બરે, ઉમેદવારી પત્રોની યાદી 24 અને ઉમેદવારી 29મી સુધી પરત ખેંચી શકાશે.ચૂંટણીનું મતદાન દસમી ઓક્ટોબરના રોજ સવારે નવથી પાંચ કલાક સુધીનું રહેશે. મતગણતરી 11મી ઓક્ટોબરે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે.


  • Follow us on: