બનાસકાંઠા જિલ્લાના છાપી નજીક આવેલી એક ફેક્ટરીમાં ગંભીર અકસ્માત સર્જાતા 1 યુવકનું કરૂણ મોત થયું છે. આ દુર્ઘટના ફેક્ટરીના ટેસ્ટિંગ એરિયામાં બની હતી, જ્યાં અચાનક એર બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં હવાના પ્રેશરથી ચાલતી ટેન્કમાં અચાનક પ્રેશર વધી જતાં આ ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ હવાના દબાણના કારણે ટેન્કનું ઢાંકણું જોરદાર ધડાકા સાથે ઉડી ગયું હતું, જેના કારણે આ ગંભીર ઘટના સર્જાઈ હતી.
બ્લાસ્ટની ભયાનકતા અને યુવકનું મોત
એર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકમાં કામ કરી રહેલો યુવક તેની ઝપેટમાં આવી ગયો હતો. હવાના પ્રચંડ બળથી યુવક હવામાં ફાંગોળાઈને દૂર ફેંકાયો હતો. બ્લાસ્ટના કારણે યુવકને માથાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બ્લાસ્ટની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.













