બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે ધાર્મિક મંદિરોને નિશાન બનાવીને ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ચોર ટોળકીએ 1 જ રાતમાં ગામના 5 જેટલા ધાર્મિક મંદિરોમાં ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો. પવિત્ર ધાર્મિક સ્થળો પર થયેલી આ ચોરીની ઘટનાથી રૈયા ગામના લોકોમાં ભારે ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. લોકો પોતાની આસ્થાના કેન્દ્રોની અસુરક્ષા અંગે ચિંતિત બન્યા છે.
સોના-ચાંદીના દાગીનાની ચોરી
ચોરી કરવા આવેલ અજાણ્યા ઈસમો મંદિરોમાંથી કિંમતી વસ્તુઓ ચોરી કરી ગયા છે. ચોર ટોળકી મંદિરોમાં મૂકવામાં આવેલા સોના-ચાંદીના દાગીના, મૂર્તિઓ પરના આભૂષણો તેમજ દાન પેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરીને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગઈ હતી. મંદિરોમાંથી કેટલી કિંમતની માલમત્તાની ચોરી થઈ છે, તે અંગે હજુ સુધી ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ચોરી કરતા ઈસમોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે પોલીસ માટે મહત્વના પુરાવા બની શકે છે.













