બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે આતંકવાદીઓ સરહદ પાર કરીને વિસ્તારમાં ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. અફવાને પગલે પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો દ્વારા તાત્કાલિક અસરથી સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
તપાસમાં ખુલાસો: લોકો પાટણ જિલ્લાના શ્રમિકો હતા
પોલીસ અને BSFની સંયુક્ત તપાસ બાદ આ સમગ્ર મામલાની હકીકત બહાર આવી છે. આતંકવાદી ઘૂસ્યા હોવાની વાત માત્ર અફવા સાબિત થઈ છે. પોલીસે જે વ્યક્તિઓની હાજરીને કારણે આ મેસેજ વાયરલ થયો હતો, તેમની ઓળખ કરી હતી. આ લોકો આતંકવાદીઓ નહીં, પરંતુ પાટણ જિલ્લાના રહેવાસી હતા અને આ વિસ્તારમાં વનસ્પતિ સહિત ઝાડના મૂળિયાં ખોદવા માટે આવ્યા હતા. સામાન્ય શ્રમિકોને જોઈને કોઈ અજાણ્યા વ્યક્તિએ અફવા ફેલાવતો મેસેજ વાયરલ કર્યો હોવાનું માલૂમ પડ્યું હતું.













