વિશ્વ વિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મા ના સૌથી પ્રિય અને ભક્તોના લોકપ્રિય મોહનથાળનો પ્રસાદ બનાવવાની તૈયારીઓના શ્રી ગણેશ કરાયા છે. 750 થી વધુ કારીગરો દ્વારા 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે...
અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો પ્રારંભ
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે. વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી મહા કુંભમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લાખો માઈભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે. ત્યારે અંબાજી ખાતે પહોંચતા આ લાખો માઇ ભક્તોને કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અંતિમ ચરણોમાં પહોંચી છે.
મોહનથાળનો પ્રસાદ બનાવવાના શ્રી ગણેશ કરાયા
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના ભક્તોના મનગમતા મોહનથાળનો પ્રસાદ બનાવવાના શ્રી ગણેશ કરાયા છે. ભાદરવી મહા કુંભ દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના ધામ ખાતે પહોંચતા હોય છે જેઓ પોતાની સાથે માં અંબાના પ્રસાદ સ્વરૂપે મોહનથાળ નો પ્રસાદ ઘરે લઈ જતા હોય છે.ત્યારે લાખોની સંખ્યામા માઈ ભક્તો જ્યારે અંબાજી પહોંચે અને પ્રસાદ ખરીદે ત્યારે પ્રસાદની ગુણવત્તા અને ક્વોન્ટિટી સચવાઈ રહે તેને લઈ તંત્ર દ્વારા અગાઉથી જ પ્રસાદ તૈયાર કરવાની કામગીરીના શ્રી ગણેશ કરી દેવાયા છે.
30 લાખથી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કરાશે
અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ બનાવવાની કામગીરીની જિલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શરૂઆત કરાઈ છે. ભાદરવી મહાકુંભ દરમિયાન 1000 થી 1200 ઘાણ જેટલો મોહનથાળનો પ્રસાદ એટલે કે 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. સામાન્ય રીતે એક ઘાણમાં 325 કિલો મોહનથાળ તૈયાર થતો હોય છે. માં જગત જનનીની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પ્રસાદ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
750 થી વધુ કારીગરો મા નો આ પ્રસાદ તૈયાર કરી રહ્યા છે
પ્રસાદ બનાવવાની આ કામગીરીમાં 750 થી વધુ કારીગરો મા નો આ પ્રસાદ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં શરૂ થનારા શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા ભાદરવી મહા કુંભને લઇ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ છે....