ગુજરાતમાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમની રાત્રિનું અનેરું મહત્ત્વ છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આજે રાત્રે 12 કલાકે માતાજીની વર્ષો જૂની પરંપરાગત 'પલ્લી' નીકળશે. આ પલ્લી વરદાયિની માતાના મંદિરથી શરૂ થશે અને ગામના માર્ગો પર ફરશે. આ પલ્લીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં લાખો ભક્તો દ્વારા કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે, જે સમગ્ર વિશ્વમાં અજોડ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય પલ્લી ઉત્સવને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે
આ ભવ્ય ઉત્સવમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. પલ્લીના રૂટ પર અને સમગ્ર ગામમાં 500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે ફરજ બજાવશે. આ ઉપરાંત, દર્શનાર્થીઓની સુવિધા માટે વાહન પાર્કિંગની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો ભક્તો માટે મહાપ્રસાદ (ભોજન) ની પણ ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી દૂર દૂરથી આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે.













