ભરૂચ જિલ્લામાં આવેલા અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મો જન્મદિસ ઉજવ્યો હતો. આ જન્મદિવસની ઉજવણી કરતા સમયે તેમણે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે. સમગ્ર દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ છે. આ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા માટે અંગદાન જાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ કર્યો છે.
અંગદાન તરફ પ્રેરવાનો શક્તિશાળી સંદેશ
અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ જન્મદિવસ પ્રસંગે પોતાના અંગદાનની જાહેરાત કરી હતી. આ સાથે તેમના પરિવારના સભ્યોએ પણ અંગદાનની જાહેરાત કરી છે. તેમના પરિવારમાં તેમના પત્ની હેમાંગીબા રણા તેમજ હેમરાજસિંહ રણા ઉપરાંત મહાવીરસિંહ રણાએ પણ અંગદાનની જાહેરાત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, તેમનો નિર્ણય ફક્ત વ્યક્તિગત નથી, પરંતુ આખા સમાજને અંગદાન કરવા માટે એક પ્રેરણા પૂરી પાડવા તેમજ જીવન બચાવતી જૂબેશને વેગ આપવાનો સંદેશ છે.













