ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ અને ડેમોમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ નજીક નર્મદા નદીએ તેનું ભયાવહ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના ધસમસતા પ્રવાહના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. જેમાં નદીની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને લોકોમાં આશ્ચર્ય અને ભયની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં ભરૂચ નજીક નર્મદા નદીના જે ડ્રોન વીડિયો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. આ વીડિયોમાં નદીનો પ્રવાહ એટલો બધો છે કે તે કોઈ મોજા જેવો દેખાઈ રહ્યો છે.
આકાશી દ્રશ્યોમાં નદીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો
આકાશી દ્રશ્યોમાં નર્મદા નદીનું વિશાળ પટ અને તેમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. સામાન્ય દિવસોમાં શાંત રહેતી નદી આજે રૌદ્ર સ્વરૂપમાં જણાઈ રહી છે. પાણીના ઘુઘવાટનો અવાજ પણ દૂર સુધી સંભળાઈ રહ્યો છે. આ ભયાનક દ્રશ્યો સૂચવે છે કે નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને નીચાણવાળા વિસ્તારો માટે સંકટ તોળાઈ રહ્યું છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે.













