ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના નવજીવન ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પાણી ઘૂસી જતાં ફસાયેલા 20થી વધુ લોકોને પોલીસ, પાલિકા અને ફાયર વિભાગની ટીમે દોરડાની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. તમામ લોકોને નજીકની નવજીવન સ્કૂલમાં આશ્રય આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે.


નવજીવન ગુલબાઈ ટેકરા પરથી લોકોનું રેસ્ક્યુ 

પરિણામે નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે. નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને નવજીવન ગુલબાઈ ટેકરાના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ઘૂસી જતાં અનેક પરિવારો પોતાના ઘરમાં ફસાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે પાણીના પ્રવાહને કારણે વાહનો દ્વારા ત્યાં પહોંચવું શક્ય નહોતું.

રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને નવજીવન સ્કૂલમાં આશરો અપાયો

જેથી બચાવકર્મીઓએ દોરડાનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોને એક પછી એક બહાર કાઢ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકો જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને નવજીવન સ્કૂલમાં અસ્થાયી આશ્રય આપવામાં આવ્યો છે. જ્યાં તેમના માટે ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. 

  • Follow us on: