ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં આવેલી પોસ્ટ ઓફિસમાં છેલ્લા 15 દિવસથી ટપાલી હાજર ન રહેતા ટપાલોના ઢગલા થઈ ગયા છે. આ કારણે લોકોને સમયસર જરૂરી દસ્તાવેજો અને પત્રો મળતા ન હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના તવરા ગામ જે નવા ભરૂચના નિર્માણનો એક ભાગ છે. ત્યાં આ પ્રકારની બેદરકારીથી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.


પોસ્ટ ઓફિસની મુલાકાત લેતાં ટપાલોના ઢગલા જોવા મળ્યા

રોષે ભરાયેલા ગામ લોકોએ જ્યારે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી ત્યારે ત્યાં ટપાલોનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. પોસ્ટ ઓફિસમાં ફરજ પર રહેલા ખુશી પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટપાલ વિતરણ કરતા કર્મચારી ગૌરવ પટેલ છેલ્લા 12મી ઓગસ્ટથી ફરજ પર આવ્યા નથી. આ બાબતની જાણ વારંવાર ભરૂચ હેડ ઓફિસને કરવામાં આવી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી

ગામ લોકોનો રોષ જોઈને ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડાએ તાત્કાલિક પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. તેમણે ગામ લોકોને વહેલી તકે ટપાલ વિતરણ માટે નવા માણસો મૂકવાની બાંહેધરી આપી હતી. જેના કારણે મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાએ ટપાલ વિભાગની બેદરકારી અને ગ્રાહકોની સેવા પ્રત્યેના અભિગમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


  • Follow us on: