ભાવનગર જિલ્લામાં કોલન વોટરના નામે ગેરકાયદેસર રીતે નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ભાવનગરના વરતેજ, ગારીયાધાર, પાલીતાણા અને મહુવા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં નશાકારક કોલન વોટરની બોટલો જપ્ત કરી છે. આ રેકેટનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પોલીસે ગારીયાધારમાં એક કોલન વોટરની ફેક્ટરી પર દરોડો પાડ્યો. આ ફેક્ટરીમાં કોલન વોટરના નામે આલ્કોહોલ મિશ્રિત પ્રવાહી બનાવવામાં આવતું હતું, જેનો ઉપયોગ નશા માટે થતો હતો. પોલીસે અહીંથી કુલ 20,471 કોલન વોટરની બોટલો જપ્ત કરી છે, જેનું બજાર મૂલ્ય લાખો રૂપિયામાં આંકવામાં આવ્યું છે.
ભાવનગરમાં નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા 7 ઝડપાયા
આ કાર્યવાહીમાં માત્ર ઉત્પાદકો જ નહીં, પરંતુ વેચાણ કરનારા વેપારીઓ પણ ઝડપાયા છે. પોલીસે કોલન વોટરનું વેચાણ કરતા બે મુખ્ય વેપારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરી છે. આ વેપારીઓ ગ્રાહકોને ગુમરાહ કરીને આ નશાકારક પ્રવાહી વેચતા હતા, ખાસ કરીને યુવા વર્ગમાં.પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રવાહી સામાન્ય રીતે શરીર પર લગાવવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાથી તેનો ઉપયોગ નશા માટે થવા લાગ્યો છે. આ પ્રકારના નશાકારક પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.













