ભાવનગરમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વોની દાદાગીરી વધતી જતી હોવાની ઘટના સામે આવી રહી છે. પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ લુખ્ખા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે. શહેરના અમદાવાદ બાયપાસ કુંભારવાડાથી નારી જતા રોડ પર એક લુખ્ખા તત્વના ત્રાસની ઘટના સામે આવી છે. કુંભારવાડા પાસે આવેલી IPCL કંપની નજીક એક પીકઅપ વાહનચાલકને અજાણ્યા શખ્સો દ્વારા ઉભો રાખાવીને તેના પર હુમલો કરાયો હતો.


લુખ્ખા તત્વોએ વાહનચાલકને મારમારીને માંગ્યા પૈસા

પીકઅપ વાહનમાં પસાર થઇ રહેલા ચાલક સહીત ત્રણ લોકોને માર મારીને તેમના વાહનને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. અસામાજિક તત્વો દ્વારા અમદાવાદ જતા બાયપાસ રોડ પર વાહન ચાલકોને હેરાન કરાયા હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ લુખ્ખા તત્વો દ્વારા વાહન ચાલક સાથે માથાકૂટ કરીને વાહનને નુકશાન પહોંચાડીને તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન આપતા આ માથાભારે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સ્થાનિકો દ્વારા પોલીસને કરાઈ ઘટનાની જાણ

સમગ્ર ઘટનાને લઈ લોકો ના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહનચાલકની ફરિયાદ નોંધવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે અમદાવાદ જવાનાં બાયપાસ રોડ ઉપર આવી ઘટના બનતા ભાવનગર પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે. જેને લઈ પોલીસે ચક્રો ગતિમાન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: