ભાવનગરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ભાવનગરમાં સરેરાશ 10 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકની અંદર ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય સહિત અને શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી ઉમરાળાનું થપનાથ ગામ સંપર્ક વિહોણું થયું છે જ્યારે મહુવામાં મેઘનું તાંડવા જોવા મળ્યું.


ગામના 250 મકાનમાં પાણી ભરાયા

ભાવનગરમાં પાલિતાણા, સિહોર, જેસર, ઉમરાળા અને વલ્લભીપુરમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યા અને જિલ્લામાં અનેક રસ્તાઓ બંધ થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો.મહુવામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વડલી ગામમાં 250 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે. ઘરમાં રહેલો સામાન પાણીમાં ગરકાવ થતા રોજિંદી જરૂરિયાત પૂર્ણ કરવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘરોમાંથી પાણી બહાર કાઢવા લોકો ભૂખ્યા તરસ્યા કાદવ કીચડ સાફ કરી રહ્યા છે.

જનજીવન અસ્તવ્યસ્ત થયું

વડલીમાં ભારે વરસાદે તારાજી સરજી. વડલીમાં ભારે વરસાદના કારણે 5 મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મકાનમાં પાણી ઘૂસતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કયાંક નાના ભૂલકા ઘર સાફ કરી રહ્યા છે તો કયાંક ઘોડિયામાં છત વગર ઘોડિયામા સુતા જોવા મળે છે. લોકો રાહ જોઈ રહ્યાં છે કે કયારે તંત્ર અને સરકાર મદદમાં આવશે. મહુવા શહેર તેમજ ગ્રામ્યમાં અંદાજે 10 ઈચ વરસાદ વરસ્યો. ગઈ કાલે આવેલ વરસાદે મહુવા શહેર તેમજ ગ્રામ્યને ધમરોળી નાખ્યું. સમયસર ચોમાસુ આવી ગયુ પણ ચોમાસુ બેસતા જ પેહલા ઇનિંગમા ઠેર ઠેર પાણી પાણી.

ધોધમાર વરસાદથી ડેમનું જળસ્તર વધ્યું

ધોધમાર વરસાદના કારણે પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. જયારે ભાવનગર જિલ્લામાં મૂશળધાર વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. અને વરસાદના કારણે કોઝવે પર ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. અને કોઝવે પર ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ઉનાળાની ગરમીથી રાહત મળતા લોકોને હાશકાર થયો છે ત્યાં વરસાદી આફતથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. 

  • Follow us on: