ભાવનગરમાં વરસાદથી તારાજી સર્જાઈ છે. સમગ્ર જિલ્લામાં સાંબેલાધાર વરસાદને કારણે રોડ રસ્તા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. નવા નીર આવવાથી નદી નાળા છલકાઈ ગયા છે. ભાવનગરમાં પાલિતાણા તાલુકાના 3 ગામમાં ફસાયેલા 31 લોકોનું મોડી રાત્રે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સેંજળીયા, મોખડકા, આકોલાળી ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.


મોડી રાત્રે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું

ભાવનગરમાં ભારે વરસાદને કારણે સેંજળીયામાં 19 લોકો ફસાયા હતાં. મોખડકામાં 11 જ્યારે આકોલાળીમાં એક વ્યક્તિ ફસાયો હતો. પાણીનો પ્રવાહ વધી જતા કુલ 31 લોકો ફસાયા હતા. જિલ્લાની અલગ અલગ રેસ્ક્યુ ટીમોએ મોડી રાત્રે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની ભરપુર આવક થવા પામી છે. એક જ રાતમાં જળસપાટીમાં 6 ફૂટનો વધારો થયો છે. શેત્રુંજી ડેમમાં 95660 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી શેત્રુંજી ડેમ 80 ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની હાલની સપાટી 30.7 ફૂટે પહોંચી જતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

તલગાજરડામાં ગઈકાલે 38 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા

ગઈકાલે ભારે વરસાદને કારણે ભાવનગરમાં તારાજી સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા હતાં. બપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ અચાનક રૂપાવ નદીમાં આવેલા જળસ્તર અને પુરના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.


  • Follow us on: