ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગરના ગારીયાધારમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ડમરાળા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મફત પરા વિસ્તારમાં 7 ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાથે જ ત્રણ મકાનની કાચી દિવાલો પણ ધરાશાયી થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ.
ભાવનગરમાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી
વરસાદે આજે ભાવનગર જિલ્લાને ધમરોળ્યો છે. ભાવનગર જિલ્લામાં જ્યા જોવો ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદથી તંત્ર એલર્ટ થયું છે અને પાણીમાં ફસાયેલા લોકો માટે બચાવ અને રાહતની કામગીરી કરી રહ્યું છે.
તલગાજરડામાં કમર સુધી પાણી
ભાવનગર જિલ્લાના અનેક વિસ્તોરોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી હતી. તલગાજરડામાં કમર સુધી પાણી ભરાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદથી પુરા ગામે પાણી ભરાયા હતા. ભાવનગરમાં પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં વરસાદ વરસ્યો હતો.
વરસાદના પગલે નદી નાળા છલકાયા
ગારીયાધારમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા. ગારીયાધાર શહેરમાં વરસાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા તળાવ તેમજ ડેમોમાં નવા નીર ની આવક થઈ હતી. ખાસ કરીને ગારીયાધારના પચ્છેગામ, ડમરાળા, સાતપડા, સમઢીયાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિણામે ડેમોમાં નવા નીર આવક થઈ છે.ગારીયાધારના આ ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ તળાવોમાં નવા નીર આવક થઈ છે.