છેલ્લા બે દિવસથી ભાવનગરમાં વરસી રહેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જિલ્લાનાં અનેક ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ ધોવાઈ ગયાં છે. નદીઓમાં નવા નીરની આવક થતાં બે કાંઠે વહેતી થઈ છે. નદી નાળાના પાણી ગામડાઓમા ઘૂસી જતાં અનેક લોકો ફસાઈ ગયાં હોવાથી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદે તારાજી સર્જી છે. વલ્લભીપુરના આંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે.


ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો

ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતાં નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયાં છે. જેના કારણે નવાગામ,લોલીયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદી ઉફાન પર પહોંચી છે. જેના કારણે આસાપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાલીતાણામાં પણ કેટલાક ગામોમાં રસ્તા ધોવાઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

મોડી રાત્રે 31 લોકોનું રેસ્ક્યૂ કરાયુ

ભાવનગરમાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે સેંજળીયામાં 19 લોકો ફસાયા હતાં. મોખડકામાં 11 જ્યારે આકોલાળીમાં એક વ્યક્તિ ફસાયો હતો. પાણીનો પ્રવાહ વધી જતા કુલ 31 લોકો ફસાયા હતા. જિલ્લાની અલગ અલગ રેસ્ક્યુ ટીમોએ મોડી રાત્રે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની ભરપુર આવક થવા પામી છે. એક જ રાતમાં જળસપાટીમાં 6 ફૂટનો વધારો થયો છે. શેત્રુંજી ડેમમાં 95660 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી શેત્રુંજી ડેમ 80 ટકાથી વધારે ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની હાલની સપાટી 30.7 ફૂટે પહોંચી જતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 

  • Follow us on: