ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષક દિનની ઉજવણીને લઈને એક અત્યંત વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જેના કારણે શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોના શિક્ષકોને જ ફાળો એકત્ર કરવાનું કામ સોંપ્યું છે. આ નિર્ણયથી શિક્ષકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે તેમનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું છે નહીં કે ભંડોળ એકત્ર કરવાનું.


શિક્ષક દિન નિમિત્તે ફાળો એકત્ર કરવા સૂચના

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ શિક્ષકોને એક સપ્તાહ સુધી ફાળો એકત્ર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ફાળો માત્ર સ્થાનિક લોકો પાસેથી જ નહીં. પરંતુ ઔદ્યોગિક એકમો અને ઉદ્યોગપતિઓ પાસેથી પણ ઉઘરાવવાની સૂચના આપવામાં આવી છે. આ ફાળો એકત્ર કરવાની જવાબદારી નગર શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ખાનગી શાળાઓ અને કોલેજ-યુનિવર્સિટીઓને સોંપવામાં આવી છે.

એકત્રિત ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવા આદેશ

એકત્રિત થયેલો આ તમામ ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવાનો રહેશે. આ કામગીરી માટે એક નિયંત્રણ અધિકારીને પણ જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ આદેશથી શિક્ષકો અને શિક્ષણવિદોમાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય શિક્ષકોના ગૌરવને ઠેસ પહોંચાડે છે અને તેમને તેમના મુખ્ય કાર્યથી વિમુખ કરે છે.

  • Follow us on: