ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં જમીન વિવાદને કારણે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ગંભીર ઘટના બની છે. આ મારામારીમાં મહિલાઓ સહિત કુલ 6 લોકોને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વલ્લભીપુરના દાત્રેટીયા ગામમાં બની હતી. એક જ સમાજના બે પક્ષો વચ્ચે ઘણા સમયથી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો.


મારામારીમાં મહિલાઓ સહિત 6 લોકોને ઇજા

આ વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે સામસામે લાકડીઓ અને અન્ય હથિયારોથી મારામારી થઈ હતી. આ મારામારીમાં મહિલાઓ સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે બોટાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વલ્લભીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

વલ્લભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને મારામારી પાછળનું ચોક્કસ કારણ જાણવા અને સંડોવાયેલા આરોપીઓ સામે પગલાં ભરવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જમીન વિવાદો કેટલી હદે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમમાં મુકાઈ શકે છે.


  • Follow us on: