ભાવનગરના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આખરે પૂરી થઇ છે. હવે ભાવનગરથી સીધા ભગવાન રામની નગરી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખાસ ભાવનગરની મૂલાકાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં તેમણે ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો.
ભાવનગરથી અયોધ્યાની સીધી ટ્રેન શરૂ
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓ અને ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામલ્લાના દર્શન કરવા જતાં લોકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા પહોંચવામાં ઘણી સરળતા રહેશે. રેલવે વિભાગે આ ટ્રેન માટે અત્યાધુનિક LHB રેક ફાળવ્યા છે જે મૂસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે. આ પહેલા ભાવનગરથી બાંદ્રા, કાકીનાડા, અસનસોલ, ઉધમપુર, હરિદ્વાર જેવા અનેક મોટાં ધાર્મિક સ્થળો માટે ટ્રેનો ચાલી રહી છે. પરંતુ અયોધ્યા માટેની આ સીધી કનેક્ટિવિટી ભાવનગરના વિકાસમાં એક નવું સીમાચિહ્ન બનશે.
અનેક મોટા નેતાઓ રહ્યા ઉપસ્થિત
આ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, ધારાસભ્યો જીતું વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરત બારડ સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર ભાવનગરને વધુ રેલ સુવિધાઓ આપીને વિકાસની નવી દિશામાં જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. આ નવી ટ્રેન સેવા શ્રદ્ધાળુઓ માટે આસ્થાની નવી સફર શરૂ કરશે અને ભાવનગર વિકાસમાં એક નવું સીમાચિહ્ન બનશે.