ભાવનગરના સિહોરમાં જગતના તાત આક્રમક તેવરમાં જોવા મળ્યા. સિહોરમાં વીજકાપ સમસ્યા મામલે મોટી સંખ્યામાં ખેડૂતો PGVCLની ઓફિસ પહોંચ્યા હતા. ખેડૂતોની માગ છે કે અમારે વારંવાર લાઈટ જતી રહી છે તે મામલે ચોક્કસ કામગીરી કરવામાં આવે. અત્યારે પણ અમે લાંબા સમયથી વીજકાપની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. PGVCLની કામગીરીથી નારાજ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે બે દિવસમાં સમસ્યા નો ઉકેલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમને જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.
PGVCLની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ
સિહોરમાં ખાંભા, ભડલી, સાગવાડી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજકાપની સમસ્યાને લઈને ગામલોકોમાં રોષ જોવા મળ્યો. ગામના લોકોનું કહેવું છે કે પંદર દિવસ થયા છતાં અમારા વિસ્તારમાં લાઈટ નથી. 40-40 હજારના છોડ અમે વાવણી માટે લાવીને રોપ્યા છે. તેના સિંચાઈ માટે અમે નદીના પટમાંથી ડોલ ભરીને પાણી લાવીને કામ ચલાવીએ છીએ. અનેક વખત અમે PGVCLમાં આ બાબતે રજૂઆત કરી. છતાં પણ PGVCLનો કોઈ કર્મચારી અંહી ફરકયો નથી. જરૂર પડશે તો આ સમસ્યાને લઈને અમે આંદોલન પણ કરીશું તેમ ગ્રામજનોએ ચીમકી આપી છે.
અમારે આંદોલનનો માર્ગ અપનાવો પડશે
રોષેભરાયેલા ગ્રામજનોનો આક્ષેપ છે કે બે-પાંચ છાંટા પડે અને લાઈટ જતી રહી છે. PGVCLની કામગીરીથી અમે ત્રાહિમામ થયા છીએ. વરસાદમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે. અને તંત્ર દ્વારા આ મામલે પણ દવા છાંટવા જેવી કોઈ કામગીરી કરાઈ નથી. અંતે વરસાદી આફતમાં વીજકાપની સમસ્યાના કારણે અમારે આંદોલનનો માર્ગ અપનાવો પડશે.
બે દિવસમાં સમસ્યા ના ઉકેલાય તો આંદોલનની ચીમકી
અમારે પીયત નથી જરૂર ના હોય પણ અમારે પાકના ઉત્પાદન કરવા સિંચાઈ માટે પાણીની જરૂર પડે છે. પરંતુ વીજળીના અભાવે વરસાદી સિઝનમાં પણ નદીમાંથી પાણી લાવવા મજબૂર થયા છીએ. આજે એકબાજુ શહેરી વિસ્તારોમાં તમામ સુવિધા હાથવેંતમાં હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા અમારે વલખા મારવા પડે છે. અમે આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરાઈ નથી. અને હવે જો બે દિવસમાં આ સમસ્યા નહીં ઉકેલાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.