ભાવનગર જિલ્લાના ઉમરાળા-ધોળા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી ટ્રાવેલ્સ બસે ટુ-વ્હીલરને અડફેટે લેતાં તેના પર સવાર બે વ્યક્તિઓનાં કરુણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળે બસ મૂકીને ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ગોઝારો અકસ્માત ઉમરાળા અને ધોળા વચ્ચે આવેલા સવાણી ઓઇલ મિલ નજીક રાત્રિના સમયે બન્યો હતો.
ઉમરાળા-ધોળા વચ્ચે સર્જાયો અકસ્માત
પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર ઘટનામાં ટુ-વ્હીલર પર સવાર બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે આ દરમિયાન બસ ચાલક પોતાની બસને ત્યાં જ મૂકીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.













