ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્કલે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં ભારત દેશની સૈન્ય શક્તિ અને મિસાઈલો થકી પડોશી દેશ પાકિસ્તાની આકાઓના વિવિધ આતંકી ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો, તે અંગેની જાણકારી તેમજ ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શોર્યની ઝાંખી દર્શાવવામાં આવી છે.
ગણેશ પંડાલમાં ધાર્મિકતા અને રાષ્ટ્ર ભક્તિનો સંગમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે પંડાલ બહાર ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, યે જીત સિર્ફ સૈના કી નહીં હૈ, બલકી પૂરે દેશવાસીઓ કી હૈ, સંકલ્પ બોલ કે હમતો નિકલ પડે, હર દ્વાર ખોલ કે..ગગન કહે વિજય ભવ:, આતંકવાદ ઔર શાંતિ વાર્તા એક સાથ નહીં ચલતે, પાની ઓર ખૂન એક સાથ નહીં બેહતે' જેવા વિવિધ બેનર્સના માધ્યમથી સૂત્રો સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિગ કમાન્ડર વ્યોમિકાસિંગ, કર્નલ સોફીયા કુરેશી, રવિશંકર પ્રસાદ, ભૂમિદળ, વાયુદળ અને હવાઈ દળના વડાઓને દર્શાવવામાં આવ્યા છે. આમ, સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા તૈયાર કરાયેલા આ ગણેશ પંડાલ ધાર્મિકતા અને રાષ્ટ્ર ભક્તિનો સંગમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
'વાઘાવાડી ચા રાજા' સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન
બીજી તરફ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર કેસરી મિત્ર મંડળ દ્વારા આયોજિત વાઘાવાડી ચા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કેસરી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે. આ ગણપતિજીની મૂર્તિ માટીની બનાવેલી હોય છે, જેનું વિસર્જન પણ પંડાલમાં જ કરવામાં આવે છે. આ મૂર્તિની ખાસિયત છે કે પુના ખાતે આવેલા દગડું શેઠની મૂર્તિની આબેહૂબ આ મૂર્તિ બનાવવામાં આવે છે. અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.