કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે ભાવનગર ખાતે નવનિર્મિત ભાજપના આધુનિક કાર્યાલય 'ભાવનગર કમલમ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રી જીતુ વાઘાણી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, "ભાવનગરના આ આધુનિક કાર્યાલય માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું." તેમણે ભાવનગરના પૂર્વ મહારાજાને પ્રેરણારૂપ ગણાવ્યા હતા અને તેમના યોગદાનને યાદ કર્યું હતું.
શાહનું રાજકીય સંબોધન
શાહે ભાવનગર મહાનગરપાલિકાને ખાસ અભિનંદન આપતા કહ્યું હતું કે, "ભાવનગરને સ્વચ્છ રાખવા બદલ મનપાને અભિનંદન. ભાવનગરની સ્વચ્છતા અને પર્યાવરણનું જતન પ્રશંસનીય છે." દેશની રાજકીય પરિસ્થિતિ પર વાત કરતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, "દેશમાં સતત ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની છે." તેમણે બિહારના રાજકારણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "બિહારમાં સતત પાંચમી વાર NDAની સરકાર બની છે." વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, "એકબાજુ ઘમંડિયા ગઠબંધન છે અને બીજી બાજુ NDA ગઠબંધન છે," જે દેશના રાજકીય ચિત્રને સ્પષ્ટ કરે છે.













