બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા ભારતીય ચૂંટણી પંચના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ, મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમને વધુ અસરકારક અને વ્યાપક બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજે એક બેઠક યોજવામાં આવી હતી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં 21 નવેમ્બર, 2025ના રોજ મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે. મેગા કલેક્શન દિવસની રૂપરેખા: જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે, 21 નવેમ્બરના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં SIR બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે.
ચૂંટણી તંત્રનું મેગા એક્શન
ગ્રામ્ય સ્તરે સહભાગીઓ: આ દિવસે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સરપંચ, તલાટી, મધ્યાહ્ન ભોજન અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો, આંગણવાડી કાર્યકર અને ગ્રામ પંચાયત VCE સહિતના લોકો ઉપસ્થિત રહેશે. હજુ સુધી ફોર્મ ન ભરાયા હોય તેવા પાત્રતા ધરાવતા લોકોના ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાલનપુર અને ડીસા સહિતના શહેરી વિસ્તારોમાં પણ આ મેગા કેમ્પનું આયોજન કરાયું છે, જેથી પ્રક્રિયા ઝડપી બને. અન્ય કાર્યક્રમ: મેગા કલેક્શન દિવસ ઉપરાંત, 22 અને 23 નવેમ્બરના રોજ બે દિવસ સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી બી.એલ.ઓ. (BLO) પોતાના મતદાન મથક ઉપર હાજર રહીને નાગરિકોના ગણતરી પત્રક જમા કરવાની કામગીરી કરશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય “પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” તે સુનિશ્ચિત કરીને ચોક્કસ મતદાર યાદી તૈયાર કરવાનો છે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નિનામા સહિત ચૂંટણી સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.













