પાલનપુર-આબુ હાઇવે પર આવેલી ચેકપોસ્ટ ચોકડી નજીક એક ગેરેજમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગેરેજમાં રાખેલો તમામ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
30 મિનિટથી ફાયરનો સંઘર્ષ
છેલ્લા 30 મિનિટથી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે હાઇવે નજીક હોવાથી ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનનો ચોક્કસ અંદાજ અને આગ લાગવાના કારણો વિશેની તપાસ શરૂ કરશે.













